અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીદારોની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનની ટીમે મોબાઇલ ચોરીના એક કેસનો ભેદ ઉકેલી આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે એક શંકાસ્પદ વ્યક્તિને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આરોપી પાસે થી ઓપ્પો K13x 5G મોબાઇલ ફોન મળી આવ્યો હતો, જે ચોરીનો હોવાનું બહાર આવ્યું.
પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીનું નામ જીગરભાઈ આનંદભાઈ સાવલેકર (ઉંમર 38 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે, જે બાપુનગર વિસ્તારમાં રહે છે. આરોપી પાસે થી અંદાજિત ₹8,000 કિંમતનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી પો.સ.ઇ. વી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ટીમના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.